દુનિયાનું જીવન એક પરીક્ષા છે !

(1).”દરેક સજીવે મૃત્યુનો સ્વાદ ચાખવાનો છે, અને અમે સારી અને ખરાબ પરિસ્થિતિઓમાં મૂકીને તમારા સૌની પરીક્ષા કરી રહ્યા છીએ. છેવટે તમારે અમારા જ ત૨ફ પાછા ફરવાનું છે.” (કુર્આન, સૂરહ અંબિયા, ૩૫)

(2).”અત્યંત મહાન અને ઉચ્ચ છે તે જેના હાથમાં (સૃષ્ટિનું) રાજ્ય છે, અને તેને દરેક વસ્તુનું સામર્થ્ય પ્રાપ્ત છે. જેણે મૃત્યુ અને જીવનનો આવિષ્કાર કર્યો જેથી તમને લોકોને અજમાવીને જુએ કે તમારામાંથી કોણ સારા કર્મ કરનાર છે, અને તે પ્રભુત્વશાળી પણ છે અને ક્ષમા કરવાવાળો પણ.” (કુર્આન, સુરહ મુલ્ક, ૧-૨)

(3).”લોકો માટે મનગમતી વસ્તુઓ- સ્ત્રીઓ, સંતાનો, સોનાચાંદીના ઢગલા,ચુનંદા ઘોડા, ચોપગાં પશુઓ અને ખેડાઉ જમીનો ઘણી લોભામણી બનાવી દેવામાં આવી છે, પરંતુ આ બધી વસ્તુઓ દુનિયાની થોડા દિવસની જિંદગીની સામગ્રી છે. હકીકતમાં જે વધુ સારું ઠેકાણું છે, તે તો અલ્લાહ પાસે છે. કહો,’હું તમને બતાવું કે આનાથી વધુ સારી વસ્તુ કઈ છે ? જે લોકો તકવા (ઈશભય અને સંયમ)નો વ્યવહાર અપનાવે તેમના માટે તેમના રબના પાસે બાગ છે, જેના નીચે નહેરો વહેતી હશે, ત્યાં તેમને શાશ્વત જીવન પ્રાપ્ત થશે, પવિત્ર પત્નીઓ તેમની સંગિની હશે અને અલ્લાહની પ્રસન્નતા તેમને પ્રાપ્ત થશે. અલ્લાહ પોતાના બંદાઓના આચરણ ઉપર ઊંડી નજર રાખે છે. આ તે લોકો છે જેઓ કહે છે કે,”માલિક, અમે ઈમાન લાવ્યા, અમારી ભૂલોને માફ કર અને અમને જહન્નમની આગથી બચાવી લે.” આ લોકો ધૈર્યવાન, સત્યનિષ્ઠ, આજ્ઞાંકિત અને દાનશીલ છે અને રાત્રિના અંતિમ પહોરમાં અલ્લાહ પાસે મગફિરત (ક્ષમા અને મુક્તિ) માટે દુઆ માંગ્યા કરે છે.” (કુર્આન, સૂરહ આલે ઇમરાન, ૧૪-૧૭)

(4).”અને અમે અવશ્ય તમને ભય અને ડર, ભૂખ, પ્રાણ અને ધન સંપતિના નુકસાન અને આમદાનીઓની ખોટમાં નાખીને તમારી પરીક્ષા કરીશું. તેમને ખુશખબર આપી દો, આ સંજોગોમાં જે લોકો ધીરજ રાખે અને જયારે કોઈ મુસીબત આવી પડે તો કહે કે, “અમે અલ્લાહના જ છીએ અને અલ્લાહના જ તરફ અમારે પાછા ફરવાનું છે.” તેમના ઉપર તેમના ૨બ તરફથી મોટી કૃપાઓ થશે, તેની દયા તેમના ઉપર છાંયડો કરશે અને આવા જ લોકો સન્માર્ગે ચાલનારા છે.”
(કુર્આન, સૂરહ બકરાહ, ૧૫૫-૧૫૭)

(5).”હકીકત એ છે કે આ જે કંઈ સાજ-સામાન પણ ધરતી પર છે તેને અમે ધરતીની શોભા બનાવ્યો છે. જેથી આ લોકોની પરીક્ષા કરીએ કે આ લોકોમાં કોણ સારા કર્મ કરનારો છે. છેવટે આ બધાને અમે એક સપાટ મેદાન બનાવી દેવાના છીએ.”(કુર્આન, સૂરહ કહફ, ૭-૮)

(6).”અને જાણી લો કે તમારું ધન અને તમારા સંતાનો હકીકતમાં અજમાયશના સાધનો છે અને અલ્લાહ પાસે વળતર આપવા માટે ઘણું ય છે.”(કુર્આન, સુરહ અન્ફાલ,૨૮)

(7).”આ ધન અને આ સંતાનો માત્ર દુનિયાના જીવનની એક હંગામી સજાવટ છે.હકીકતમાં તો બાકી રહી જનાર સદ્કાર્યો જ તારા રબના સમીપ પરિણામની દૅષ્ટિએ વધુ સારા છે અને તેનાથી જ સારી આશા રાખી શકાય છે.” (કુર્અાન, સૂરઃ કહફ , ૪૬)

(8).”જયારે આ લોકો નૌકામાં સવાર થાય છે તો પોતાના દીન (ધર્મ)ને અલ્લાહ માટે વિશુદ્ધ કરીને તેના પાસે દુઆ માગે છે, પછી જયારે તે તેમને બચાવીને
જમીન ઉપર લઈ આવે છે તો એકાએક આ લોકો શિર્ક કરવા લાગે છે, જેથી અલ્લાહે આપેલી મુક્તિ બદલ તેના તરફ અપકાર દાખવે અને(દુનિયાના જીવનની) મજા માણે. ભલે, ટૂંક સમયમાં જ આમને ખબર પડી જશે.”
(કુર્અાન, સૂર: અન્-કબૂત,૬૫-૬૬)

(9).‘‘શું મનુષ્ય પર અનંતકાળનો એક સમય એવો પણ વિત્યો છે જયારે તે કોઈ ઉલ્લેખનીય વસ્તુ ન હતો ? અમે મનુષ્યને એક મિશ્રિત વીર્યના ટીપામાંથી પેદા કર્યો જેથી તેની પરીક્ષા લઈએ અને આ હેતુ માટે અમે તેને સાંભળવાવાળો અને જોવાવાળો બનાવ્યો. અમે તેને માર્ગ દેખાડી દીધો, પછી ચાહે કૃતજ્ઞ (શુક્ર કરનારો) બને કે ઇન્કાર (કુફ) કરવાવાળો.” (કુર્અાન, સૂરઃ દહ્-ર ૧-૩)

(10).”જે લોકોએ કુફ્ર(ઇન્કાર)નો માર્ગ અપનાવ્યો છે, તેમના માટે દુનિયાનું જીવન અત્યંત પ્રિય અને મનમોહક બનાવી દેવામાં આવ્યું છે. આવા લોકો ઈમાનનો માર્ગ અપનાવનારાઓની ઠેકડી ઉડાવે છે, પરંતુ કયામત (પ્રલય)ના દિવસે પરહેજગાર (સંયમી) લોકો જ તેમની સરખામણીમાં ઉચ્ચ સ્થાને હશે. રહી દુનિયાની રોજી, તો અલ્લાહને અધિકાર છે, જેને ચાહે બેસુમાર આપે.”
(કુર્આન , સૂર: બકરહ, ૨૧૨)

(11).”તે જ છે જેણે તમને ધરતીના ‘ખલીફા’ (પ્રતિનિધિ, નાયબ) બનાવ્યા અને તમારામાંથી કેટલાકને કેટલાકની સરખામણીમાં વધુ ઉચ્ચ દરજ્જા આપ્યા, જેથી જે કંઈ તમને આપવામાં આવ્યું છે તેમાં તમારી પરીક્ષા કરે. નિઃસંદેહ તમારો રબ સજા આપવામાં પણ ઘણો ઝડપી છે અને ઘણો દરગુજર કરનાર અને દયાળુ પણ છે.” (કુર્અાન, સુ૨: અન્-આમ, ૧૬૫)

(12).”અમે તમારા(મનુષ્યો)માંથી દરેક માટે એક શરીઅત (કાનૂન) અને કાર્ય-પ્રણાલી નિશ્ચિત કરી. આમ તો તમારો અલ્લાહ ઇચ્છતો તો તમને સૌને એક ઉમ્મત (સમુદાય) પણ બનાવી શકતો હતો, પરંતુ આવું તેણે એટલા માટે કર્યું કે જે કંઈ તેણે તમને આપ્યું છે તેમાં તમારી પરીક્ષા કરે. તેથી ભલાઈઓમાં એકબીજાથી આગળ વધી જવાનો પ્રયાસ કરો. છેવટે તમને સૌને અલ્લાહ તરફ પાછા ફરીને જવાનું છે, પછી તે તમને તે સાચી હકીકત બતાવી દેશે જેમાં તમે મતભેદ કરતાં ૨હ્યા છો.’’ (કુર્આન, સૂરઃ માઈદા, ૪૮)

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92