બુદ્ધિશાળીઓ અને સમજદારોને આહ્વાન

(1).”અલ્લાહે તમને તમારી માતાઓના પેટમાંથી કાઢયા એવી હાલતમાં કે તમે કંઈ નહોતા જાણતા. તેણે તમને કાન આપ્યા, આખો આપી અને વિચારનારા હ્રદય આપ્યા જેથી તમે આભારી બનો.” (કુર્આન, સૂર: નહ્-લ, ૭૮)

(2).”ધરતીમાં ઘણી નિશાનીઓ છે વિશ્વાસ કરનારાઓ માટે, અને સ્વયં તમારા અસ્તિત્વમાં છે. શું તમને સૂઝતું નથી ?” (કુર્આન, સૂર: ઝારિયાત, ૨૦-૨૧)

(3).”અને દરેક વસ્તુના અમે જોડા બનાવ્યા છે, કદાચ તમે આનાથી બોધપાઠ ગ્રહણ કરો.” (કુર્આન, સૂરઃ ઝારિયાત, ૪૯)

(4).”અને રાત અને દિવસના અંતર અને ભેદમાં, અને તે આજીવિકામાં જે અલ્લાહ આકાશમાંથી ઊતારે છે, પછી તેનાથી મૃત ધરતીને જીવિત કરે છે, અને હવાઓના
ફેરફારમાં અનેક નિશાનીઓ છે તે લોકો માટે જેઓ બુદ્ધિથી કામ લે છે.” (કુર્આન, સૂર: જાસિયહ,૫)

(5).‘‘શું આ લોકોએ ક્યારેય પક્ષીઓને નથી જોયા કે આકાશની હવાઓમાં કેવી રીતે આજ્ઞાધીન છે ? અલ્લાહ સિવાય કોણે તેમને ટેકવી રાખ્યા છે ? આમાં ઘણી
નિશાનીઓ છે તે લોકો માટે જેઓ ઈમાન લાવે છે.” (કુર્આન, સૂરઃ નહલ, ૭૯)

(6).”અને શું તેમણે ક્યારેય ધરતી ઉપર નજર નથી નાખી કે અમે કેટલા પુષ્કળ પ્રમાણમાં દરેક પ્રકારની ઉત્તમ વનસ્પતિ તેમાં પેદા કરી છે ? નિઃશંક આમાં એક
નિશાની છે, પરંતુ આમાંના મોટા ભાગના માનવાના નથી, અને હકીકત એ છે કે તારો રબ (પ્રભુ) પ્રભુત્વશાળી પણ છે અને દયાળુ પણ .”(કુર્આન, સુર: શુઅરા, ૭-૯)

(7).‘‘આકાશો અને ધરતીનું પેદા કરવું મનુષ્યને પેદા કરવાની સરખામણીમાં ચોક્કસ વધારે મોટું કામ છે, પરંતુ મોટા ભાગના લોકો જાણતા નથી, અને તે થઈ શકતું
નથી કે આંધળો અને આંખોવાળો સરખા થઈ જાય અને ન ઈમાનદાર સદાચારી તથા દુરાચારી સરખા ઠરે. પરંતુ તમે લોકો ભાગ્યે જ કંઈ સમજો છો. નિશ્ચિતપણે
કયામત (પુનર્જીવન)ની ઘડી આવવાની છે, તેના આવવામા કોઈ શંકા નથી,પરંતુ ઘણાંખરા લોકો નથી માનતા.” (કુર્આન, સૂર: મોમિન,૫૭-૫૯)

(8).”આમને કહો, કયારેય તમે એ પણ વિચાર્યું કે જો તમારા કૂવાઓનું પાણી જમીનમાં ઊતરી જાય તો કોણ છે જે આ પાણીના વહેતા સ્ત્રોતને કાઢીને તમને લાવી આપશે.”(કુર્આન, સૂર:મુલ્ક,૩૦)

(9).”બરાબર જાણી લો કે અલ્લાહ ધરતીને તેના મૃત્યુ પછી પુન: સજીવન કરે છે ,અમે તમને નિશાનીઓ સ્પષ્ટ દેખાડી દીધી છે, કદાચ તમે બુદ્ધિપૂર્વક વર્તો,”
(કુર્આન, સૂર: હદીદ, ૧૭)

(10).”તો હકીકત એ છે કે તંગીની સાથે વિપુલતા અને સમૃદ્ધિ પણ છે. નિ:સંદેહ તંગીની સાથે વિપુલતા અને સમૃદ્ધિ પણ છે.” (કુર્આન, સૂર: અલમ્-નશ્ર, ૫-૬)

(11).”અમે તમને પેદા કર્યા છે, પછી કેમ સાચું માનતા નથી? ક્યારેય તમે વિચાર્યું, આ વીર્ય જે તમે નાખો છો, એનાથી બાળક તમે બનાવો છો કે તેના બનાવનાર
અમે છીએ ?” (કુર્આન, સૂરઃ વાકિઆહ, ૫૭-૫૯)

(12).”હકીકત એ છે કે લોકો માત્ર અટકળો પાછળ ચાલી રહ્યાં છે અને મનેચ્છાઓના ભક્ત બનેલા છે. જો કે તેમના રબ (પ્રભુ-પાલનહાર) તરફથી તેમના પાસે માર્ગદર્શન આવી ચૂક્યું છે. શું મનુષ્ય જે કંઈ ઈચ્છે તેના માટે તે જ સત્ય છે ? દુનિયા અને આખિરતનો માલિક તો અલ્લાહ જ છે.” (કુર્આન, સૂર: નજ્મ,૨૩-૨૫)

(13).”સત્ય-સંદેશનો સ્વીકાર તે લોકો જ કરે છે જેઓ સાભળવાવાળા છે રહ્યા મડદાં, તો એમને તો અલ્લાહ બસ કબરોમાથી જ ઉઠાવશે અને પછી તેમને (તેની અદાલતમાં રજૂ થવા માટે) પાછા લાવવામાં આવશે.”
(કુર્આન, સૂર:અન્આમ,૩૬)


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92