રઝિઅલ્લાહુ અન્હુની શહાદત અને કરબલાની રડાવનારી ઘટનાઓને બયાન કરી તકરીરો અને મેહફિલોમાં રંગ જમાવવામાં આવે છે.
આવી તમામ ઘટનાઓ, કહાનીઓ ઐતિહાસિક દ્રષ્ટિએ અને પ્રમાણિકતાની કસોટીએ તદ્દન શંકાશીલ અને બનાવટી છે. કેમ કે, જે રાવી (બયાનકર્તા) દ્વારા આપણી તવારીખમાં આ કહાનીઓ પ્રચલિત થઇ છે તે એક વાર્તાકાર અબુ મિખનક લૂત બિન યહયા (જનું અવસાન હી. સન ૧૭૫ માં થયેલ છે) હતો. તે એક જુઠ્ઠો અને કટ્ટરપંથી શીયા હતો.
અલબિદાયહ વન્નિહાયહ વિગેરેમાં તેનું વર્ણન વાંચી શકાય છે.
રઝીઅલ્લાહુ અન્હુના પૌત્ર હઝરત અબુ જાફર મોહંમદ બાકિર રહમતુલ્લાહ (જેઓ હઝરત ઝૈનુલ આબિદીન રહમતુલ્લાહ ના પુત્ર હતા અને શિયા પંથ ઈસ્નાઅશરીના કહેવાતા એક માસુમ ઇમામ છે) ના કહ્યા મુજબ છે અને જે
આઠમી સદીના મશહુર મુહદ્દિસ હાફિઝ ઇબ્નેહજર અસ્કલાની રહમતુલ્લાહની મશહુર કિતાબ તહઝીબુત્તહઝીબમાં લખાયેલ છે.
જો કે હઝરત બાકિર રહમતુલ્લાહ કરબલાની ઘટના વખતે હાજર ન હતા.
(પિતા) ઇમામ ઝૈનુલ આબિદીન રહમતુલ્લાહથી સાંભળ્યું હશે. જેઓ કરબલાની ઘટનામાં આરંભથી લઇ અંત સુધી હાજર રહ્યા હતા અને તમામ ઘટના નજરે નિહાળી હતી.
સંબંધમાં હઝરત અબુ જાફર બાકિર (રહ.) ના મુખે નીકળેલા શબ્દોનું ભાષાંતર કરી પ્રસ્તુત કરીએ છીએ.
હઝરત અબુ જાફર બાકિર રહમતુલ્લાહની રિવાયત કરતા રાવી કહે છે કે, મેં મોહંમદ બિન અલી બિન હુસૈનથી અરજ કરી કે આપ મને હઝરતે હુસૈનના કતલની ઘટના એવી છટામાં સંભળાવો કે મને એમ લાગે કે જાણે હું ત્યાં જ હાજર હતો અને બધું મારી નજર સમક્ષ થયું.
ફરમાવ્યું કે અમીર મુઆવિયહ રઝીઅલ્લાહુ અન્હુના મૃત્યુ સમયે વલીદ બિના ઉત્બહ બિન અબુ સુફિયાન (મુઆવિયહ રઝીઅલ્લાહુ અનહુનો ભત્રીજો અને યઝીદનો પિત્રાઈ ભાઈ) મદીનહનો ગવર્નર હતો. વલીદે કાયદાકિય રીતે હઝરત
હુસૈન રઝીઅલ્લાહુ અન્હુને સંદેશ મોકલ્યોં કે, નવા વરાયેલા અમીર (પ્રમુખ) યઝીદ માટે બૈઅત લઇ લો (તેને અમીર તરીકે માન્યતા આપો) તેના જવાબમાં હઝરત હુસૈન રઝીઅલ્લાહુ અન્હુએ કહ્યું કે, મને વિચારવાનો સમય આપો અને
આ વિષયે નરમીથી કામ લો. વલીદે હઝરત હુસૈન રઝીઅલ્લાહુ અન્હુને
ચાલ્યા ગયા.
આ સમય દરમિયાન કુફાવાસીઓને જયારે જાણ થઈ કે, હઝરત હુસૈન
રઝીઅલ્લાહુ અન્હુ તો મક્કા પહોંચી ગયા છે તો તેઓએ પોતાનો કાસિદ (દૂત) હઝરત હુસૈન રઝીઅલ્લાહુુ અન્હુની સેવામાં મક્કા મોકલ્યો અને રજૂઆત કરી કે, તમે કૂફા પધારો અમે તમારી સાથે છીએ અને યઝીદની બૈઅતથી અલગ થઇ ગયા છીએ. અમોએ કૂફાના ગર્વનર પાછળ નમાઝ પઢવી પણ છોડી દીધી છે. તે વખતે
નોમાન બિનબશીર અન્સારી રઝીઅલ્લાહુ અન્હુ યઝીદ તરફથી કૂફાના ગર્વનર હતા.
જયારે કૂફાવાસીઓ તરફથી એવી રજૂઆતો મળી તો હઝરત ઈમામ હુસૈન રઝીઅલ્લાહુ અન્હુએ પોતાના પિત્રાઇ ભાઇ હઝરત મુસ્લિમ બિન અકીલ રહમતુલ્લાહને (જાતમાહિતી મેળવવા માટે) કૂફા મોકલવાની યોજના કરી. જેથી તેઓ કૂફા જઇ ત્યાંની વર્તમાન પરિસ્થિતિનો અભ્યાસ કરે. અને જો કૂફાવાસીઓની વાત સાચી હોય તો હઝરત હુસૈન પણ કૂફા પહોંચી જાય.
*હઝરત મુસ્લિમ કૂફા તરફ:-*
આયોજન મુજબ હઝરત મુસ્લિમ મક્કા જતા પહેલા મદીનહ ગયા. અને
ત્યાંથી રસ્તાની રેહબરી કરવા માટે બે માણસોને સાથે લઇ કૂફા રવાના થયા.
રસ્તામાં એક એવો મેદાન આવ્યો જયાં પાણીની તરસથી પરેશાન થઈ ગયા. અને એજ જગ્યાએ એક રેહબરનું મૃત્યુ થઇ ગયું. આ જગ્યાએ હઝરત મુસ્લિમે એક કાગળ લખી કૂફા ન જવાની હઝરત હુસૈન રઝીઅલ્લાહુ અન્હુને અરજ કરી. પરંતુ હઝરત હુસૈન રઝીઅલ્લાહુ અન્હુએ સ્વીકારી નહીં અને હઝરત મુસ્લિમને કૂફા
તરફ આગળ વધવાની તાકીદ કરી. તેઓ કૂફા તરફ ચાલી નીકળ્યા. ત્યાં પહોંચી એક માણસના ઘરે રોકાયા, જેનું નામ ઔસજહ હતું. જયારે કૂફાવાસીઓને હઝરત મુસ્લિમના આગમનની જાણ થઇ, તો તેઓ છૂપી રીતે હઝરત મુસ્લિમ પાસે પહોંચ્યા અને હઝરત હુસૈન રઝીઅલ્લાહુ અન્હુ માટે બૈઅત (આધિનતા) કરવા લાગ્યા. આ તબક્કામાં આશરે ૧૨૦૦૦ માણસોએ બૈઅત કરી.
આ બૈઅત દરમિયાન યઝીદના વિશ્વાસુ ઉબૈદુલ્લાહ બિન મુસ્લિમ બિન શુઅબહ હઝરમીને આ વાતની જાણ થઇ. અને તે કૂફાના ગવર્નર નોમાન બિન બશીર પાસે જઈ તેમને તમામ પ્રવૃતિની જાણ કરી અને ચાનક ચઢાવવા માટે ગવર્નરને કહ્યું કે, કાં
તો તમે કમઝોર છો અથવા કુફાવાસીઓ તમને કમઝોર સમજે છે. શું તમે જોતા નથી કે, શહેરની વર્તમાન પરિસ્થિતિ ગંભીર બની રહી છે ?
હઝરત નોમાના રઝીઅલ્લાહુ અન્હુએ કહ્યું કે, અલ્લાહની ફરમાબરદારીમાં મને એવી કમજોરી તાકત અને શકિત કરતાં વધારે પસંદ છે, કે જે તાકત અને શકિત અલ્લાહની નાફરમાની કરવામાં વપરાતી હોય. જે મામલા ઉપર અલ્લાહ પડદો નાખી દે તે મામલાને હું અમસ્તો જાહેર કરવા માંગતો નથી.
આ જવાબ મળ્યા પછી
ઉબૈદુલ્લાહે તમામ કાર્યવાહી યઝીદને લખી મોકલી. આ વિશે યઝીદે તેના આઝાદ કરેલ ગુલામ સર્હુન પાસે સલાહ લીધી. સર્હુને સલાહ આપતા કહ્યું કે જો આપના પિતા હયાત હોત અને આપને સલાહ આપે તો આપ તેને રાખો કે નહી ? યઝીદે જવાબ આપ્યું જરૂર કબૂલ કરી લેત. સર્હુને કહ્યું તો (સાંભળો) મારી તો સલાહ એ.
છે કે, ઉબૈદુલ્લાહ બિન ઝિયાદને કૂફાનો ગર્વનર બનાવી દો. તેના સિવાય કોઇ
બીજો કૂફાની ગવર્નરીને લાયક નથી.
અહી પરિસ્થિતિ એ હતી કે, યઝીદ
ઉબૈદુલ્લાહથી સખત નારાઝ હતો. અને તેને બસરાના ગવર્નર પદેથી પણ દૂર
કરવા વિચારતો હતો પરંતુ સર્હુનની સલાહને માન્ય રાખી બસરાના ગર્વનરની સાથે કૂફાના ગવર્નર પદે પણ નિયુકિત કરી. અને લખ્યું કે, જો તમને કૂફા પહોંચી.મુસ્લિમ બિન અકીલ મળી જાય તો તેને કતલ કરી નાખો.
*ઇબ્નેઝિયાદ કૂફામાં અને ભેદનું ખૂલી જવું:-*
ઉપરોકત હુકમથી ઉબૈદુલ્લાહ બસરાના અમુક માથાભારે લોકો સાથે
એવી હાલતમાં કૂફા પહોંચ્યો કે તેણે ચહેરો ઉપર નકાબ પહેરી રાખી હતી. જેથી તેને કોઈ ઓળખી ન શકે. તે કૂફાવાસીઓની જે મજલિસ પાસેથી પસાર થતો,તેમને સલામ કરતો અને લોકો તેને હઝરત હુસૈન રઝીઅલ્લાહુ અન્હુ સમજી વઅલૈક સ્સલામ યા ઇબ્ન રસૂલિલ્લાહ કહી જવાબ આપતા.
એવી જ રીતે સલામ કરતો કરતો છેક શાહી મહેલ સુધી પહોંચી ગયો. શાહી મહેલમાં પહોંચી એક ગુલામને ત્રણ હજાર દિર્હમ આપી કહ્યું કે, તમે તે માણસનો પત્તો લગાવો જે
કૂફાવાસીઓથી બૈઅત લઈ રહ્યો છે. પરંતુ એ તકેદારી રાખજો કે તમે પોતાને
હિમ્સના રહેવાસી તરીકે ઓળખાવજો અને કહેજો કે હું બૈઅત કરવા આવ્યો છું. અને આ રકમ ૩૦૦૦ દિનાર પણ ભેટ આપવા માગું છું. જેથી આપ મિશન પાર પાડવા માટે ઉપયોગ કરી શકો.
તેણે (ગુલામે) એમ જ કર્યું અને ચાલાકીપૂર્વક જે બૈઅત લેવાનો
આયોજન કરી રહ્યો હતો તેને પોતાના આવવાની અને સહાયની રકમ બાબત
બધી જ વાત કહી નાખી. બૈઅત લેનાર આયોજકે કહ્યું કે મને એ ઘણી જ ખુશી થઇ કે તમને હિદાયતોનો માર્ગ નસીબ થઇ ગયો. પરંતુ એ વાતનું દુઃખ છે કે અમારો મિશન હજૂ મજબૂત થયો નથી અને ત્યારબાદ તે ગુલામને મુસ્લિમ બિન અકીલ પાસે લઇ ગયો. હઝરત મુસ્લિમ બિન અકીલે તેની બૈઅત લઇ અને રકમ પણ સ્વીકારી લીધી.
ગુલામ મુસ્લિમ બિન અકીલ રહમતુલ્લાહ પાસેથી નીકળી સીધો
ઉબૈદુલ્લાહ બિન ઝિયાદ પાસે પહોંચ્યો અને સંપૂર્ણ વિગત કહી સંભળાવી.
અહીં હઝરત મુસ્લિમ રહમતુલ્લાહ કૂફા આવ્યા પછી ઓસજહનો ઘર મૂકી હાનિ બિન ઉરવહના મકાને બિરાજયા અને હઝરત હુસૈન રઝીઅલ્લાહુ અન્હુને લખ્યું કે અહીં કૂફામાં ૧૨૦૦૦ લોકોએ બૈઅત કરી લીધી છે. આપ કૂફામાં પધારો.
હવે બન્યું એવું કે, મુસ્લિમ બિન અકીલ વિશે ઉબૈદુલ્લાહને જાણ થઈ કે,
તેઓએ હાનીના ઘરે મુકામ કર્યો છે તો તેણે કુફાના મુખ્ય માણસોને કહ્યું કે, શું
વાત છે હાની મારે ત્યાં નથી આવતા ? આ વાત સાંભળી હાજર લોકોમાંથી મુહંમદ બિન અશઅસ અમૂક માણસોને લઇ હાનીને બોલાવવા તેમની પાસે ગયો, ત્યારે હાની તેમને ઘરના દરવાજા પાસે જ મળી ગયા. અશઅસે કહ્યું કે, ગવર્નર સાહેબ તમને યાદ ફરમાવે છે અને અત્યાર સુધી આપ તેમને મળ્યા નથી તેની નોંધ લીધી છે, માટે આપને મુલાકાત લેવી જોઇએ.
તેમની ભારપૂર્વક વાતથી હાની તેમની
સાથે દરબારમાં ઉબૈદુલ્લાહ પાસે પહોંચ્યા. સંજોગે કાઝી શુરૈહ પણ ઉબૈદુલ્લાહ પાસે હાજર હતા. ઉબૈદુલ્લાહે કાઝીને સંબોધીને કહ્યું જુઓ હાનીની ચાલ ખોટી લાગે છે. જયારે હાની ઉબૈદુલ્લાહ પાસે પહોંચ્યા તો તેણે તેમને પૂછયું કે, મુસ્લિમ
બિન અકીલ કયાં છે ? હાનીએ કહ્યું મને ખબર નથી. આ સાંભળી ઉબૈદુલ્લાહે ૩૦૦૦ દિર્હમ આપેલા ગુલામને બોલાવી ખડો કરી દીધો. જેને જોઇ હાની તદ્દન લાજવાબ થઈ ગયા. અલબત એટલું ઝરૂર કહ્યું કે, મેં તેઓને બોલાવ્યા નથી. તેઓ પોતે મારા ઘરે આવ્યા છે. ઈબ્ને ઝિયાદે કહ્યું કે, ઠીક છે તો તેમને હાજર કરો ! થોડીક આનાકાની કરી તો ઇબ્ને ઝિયાદે પોતાની નજીક બોલાવી જોરથી
લાકડીનો પ્રહાર કર્યો જેનાથી તેમની આંખનો ભવો ફાટી ગયો. તેના જવાબમાં હાનીએ એક સિપાહીની તલવાર લઈ ઉબૈદુલ્લાહ ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો પણ સફળતા ન મળી.
જેના લીધે ઉબૈદુલ્લાહે કહ્યું કે, હવે તમારો ખૂન હલાલ થઇ ગયો. અને મહેલના એકભાગમાં તેમને કૈદ કરી દીધો.
આ ઘટનાની જાણ હાની કબીલાના લોકોને થઇ તો તેઓએ મહેલ ઉપર
હલ્લો બોલાવી દીધો. ઉબૈદુલ્લાહે ઘોંઘાટ સાંભળી પૂછયું કે, આ શું છે ? જવાબ મળ્યું કે હાનીના કબીલાવાસીઓ હાનીને છોડાવવા માટે ચઢી આવ્યા છે. તેણે કાઝી શુરૈહ દ્વારા કબીલાના લોકોને કહેણ મોકલ્યું કે, મુસ્લિમ બિન અકીલનો પત્તો મેળવવા તેમજ અમુક વાતોની છણાવટ કરવાના હેતુએ હાનીને રોકી રાખેલ છે કોઇ ખતરો નથી.પરંતુ સાથોસાથ એક ગુલામને પણ કાઝી શુરૈહ સાથે મોકલ્યું
જેથી જણાઇ આવે છે, કાઝી શુરૈહ લોકોમાં જઇ શું કહે છે.
કાઝી શુરૈહ તે લોકોની તરફ જઇ રહ્યા હતા ત્યારે તેઓ હાની પાસેથી પસાર થયા તો હાનીએ કહ્યું કે, કાઝી સાહેબ ! મારી બાબતે અલ્લાહથી ડરજો.ઇબ્ને ઝિયાદ મને મારી નાખવા માગે છે. તેમ છતાં કાઝી શુરૈહ ટોળા વચ્ચે જઈને ઇબ્નેઝિયાદની વાત કહી સંભળાવી. જેના લીધે ટોળાને સંતોષ થઇ ગયો કે હાનીને કોઇ ખતરો નથી.
હઝરત મુસ્લિમ રહમતુલ્લાહને જયારે ધમાલની જાણ થઇ ત્યારે તેઓએ
પોતાના માધ્યમ દ્વારા કૂફામાં એલાન કરાવ્યું એલાન સાંભળતા ૪૦૦૦૦ લોકો તેમની પાસે જમા થઇ ગયા જેમને તેઓએ કાયદેસર એક ફૌજી ટૂકડીનો રૂપ આપી દીધું. ખુદ હઝરત મુસ્લિમ વચ્ચે રહ્યા અને એવી રીતે ૪૦૦૦૦ નો લશ્કર મહેલ તરફ રવાના થયો.
ઉબૈદુલ્લાહને જયારે તેની જાણ થઇ તો તેણે કૂફાના મુખ્ય માણસોને મહેલમાં બોલાવ્યા. જયારે લશકર મહેલ પાસે પહોચ્યું ત્યારે કૂફાના સરદારોએ
પોતપોતાના કબીલાના માણસોને દિવાલ ઉપરથી સમજાવવાનું શરૂ કર્યું. એવી રીતે ધીરે ધીરે મુસ્લિમ રહમતુલ્લાહની ફૌજના માણસો ખસવા માંડયા અને સાંજ સુધી મુસ્લિમ બિન અકીલ સાથે ફકત ૫૦૦ માણસો રહ્યા. ત્યાં સુધી કે રાત્રિનો
અંધકાર છવાઇ જતા એ ૫૦૦ માણસો પણ ચાલ્યા ગયા.
જયારે મુસ્લિમ બિન અકીલે જોયું કે તેઓ એકલા જ રહી ગયા છે ત્યારે
તેઓ પણ ત્યાંથી ચાલી નીકળ્યા રસ્તામાં એક મકાનના દરવાજા પાસે પહોંચ્યા ઘરમાંથી એક સ્ત્રી બહાર આવી મુસ્લિમ બિન અકીલે તેની પાસે પાણી માંગ્યું. તેણે પાણી તો પાયું પરંતુ પાછી ઘરમાં ચાલી ગઈ. થોડીવાર પછી ફરી વખત બહાર આવી અને કહ્યું કે, હે અલ્લાહના બંદા ! તમારૂં અહીં ઘરના દરવાજે બેસવું શંકાશીલ છે. તમે અહીંથી ચાલ્યા જાવ. ત્યારે તેઓએ કહ્યું કે, હું મુસ્લિમ બિન અકીલ છું શું તમે મને આશરો આપશો ?
તેણીએ હા કહ્યું. હઝરત ઘરમાં ગયા
પણ અલ્લાહનું કરવું એવું બન્યું કે, તે સ્ત્રીનો પુત્ર મુહંમદ બિન અશઅસનો
આઝાદ કરેલ ગુલામ હતો જયારે તેને જાણ થઈ કે, આગંતુક મુસ્લિમ બિન અકીલા છે, તો તેણે મુહંમદ બિન અશઅસને જાણ કરી. તેણે તુરંત જ ઉબૈદુલ્લાહ બિન ઝિયાદને ખબર આપી જેથી ઇબ્ને ઝિયાદે તેની સાથે જ પોલીસ રવાના કરી મુસ્લિમ બિન અકીલની ધરપકડ કરવાનો હુકમ આપ્યો. પોલીસે મકાનને કોર્ડન
કરી ઘેરી લીધું. જયારે હઝરત મુસ્લિમને તેની ખબર પણ પડી નહીં. જયારે હઝરત મુસ્લિમે પોતાને ઘેરાયેલો જોયો, તો ખુલ્લી તલવાર સાથે ધસી આવ્યા અને પોલીસનો સામનો કરવાનો નિર્ધાર કર્યો. પરંતુ ઇબ્ને અશઅસે તેમને રોકયો અને
કહ્યું કે હું જવાબદારી લઉં છું કે તમે સુરક્ષિત રહેશો. પછી તેઓ તેમને પકડી ઇબ્ને ઝિયાદ પાસે લઈ ગયા. પછી ઇબ્ને ઝિયાદના હુકમથી શાહીમહેલની છત ઉપર મુસ્લિમ બિન અકીલને લઇ જઇ કતલ કરી નાખવામાં આવ્યું. (ઇન્નાલિલ્લાહિ વ
ઇન્ના ઇલ્યહી રાજીઉન) અને તેમની લાશ બજારમાં લોકોની સામે ફેંકી દેવામાં આવી. તેમજ તેના જ હુકમથી હાનીને પણ કચરાની જગ્યા સુધી ઢસડીને લઇ જઈ ફાંસી આપવામાં આવી.
*હઝરત હુસૈન રઝીઅલ્લાહુ અન્હુની કૂફા તરફ રવાનગી :*
અહીં કૂફામાં એટલું બધું થઈ ગયું અને ત્યાં મુસ્લિમ બિન અકીલ હઝરત
હુસૈન રઝીઅલ્લાહુ અન્હુ ને પત્ર લખી ચૂકયા હતા, કે બાર હજાર કૂફાવાસીઓએ
બૈઅત કરી લીધી છે. જેથી હઝરત હુસૈન રઝીઅલ્લાહુ અન્હુ જેમ બને તેમ જલ્દી આવી જાય. જેથી પત્રના અનુસંધાને હઝરત હુસૈન રઝીઅલ્લાહુ અન્હુ કૂફા જવા રવાના થયા.
જયારે તેઓ કાદસીયહ (શહેર) થી માત્ર ૩ માઈલ દૂર હતા ત્યારે હુર
બિન યઝીદ તમીમી હઝરત હુસૈન રઝીઅલ્લાહુ અન્હુના કાફલાને મળ્યા. તેણે પૂછયું કે, આપ કયાં જઈ રહ્યા છો ? હઝરત હુસૈને જવાબ આપ્યો, કૂફા ! તેણે કહ્યું ત્યાં તો ભલાઇની કોઇ આશા નથી, આપને અહીંથી જ પાછું વળી જવું જોઇએ. પછી કૂફાની બેવફાઇ અને હઝરત મુસ્લિમ બિન અકીલ રહમતુલ્લાહને કતલ કરી દીધાની તમામ ઘટના સંભળાવી.
આખી ઘટના સાંભળી હઝરત હુસૈન રઝીઅલ્લાહુ અન્હુએ પાછા વળી
જવાનો ઇરાદો તો કર્યો પરંતુ મુસ્લિમના ભાઇઓએ પાછા વળી જવાથી ઇન્કાર
કર્યો અને કહ્યું અમે મુસ્લિમ રહમતુલ્લાહનો બદલો લેશુ અથવા તો મૃત્યુ વહોરી લેશું. હઝરત હુસૈને આ સાંભળી કહ્યું કે, તમારા વગર હું જીવીને શું કરીશ ? એવી રીતે બધા કૂફા તરફ રવાના થયા. જયારે તેમને ઇબ્ને ઝિયાદની ફૌજનો ભાગ નજર
આવ્યો તો હઝરત હુસૈન રઝીઅલ્લાહુ અન્હુએ કરબલા તરફ કૂચ કરી અને ત્યાં જઈ એવી જગ્યાએ મુકામ કર્યો જયાં એક તરફથી લડાઇ થઇ શકતી હતી.
અહીં તંબુઓ તાણવામાં આવ્યા તે વખતે હઝરત હુસૈનની સાથે ૪૫ સવારીઓ સાથેનો કાફલો અને ૧૦૦ જેટલા પગપાળા લોકો સાથે હતા. આ સમયે ઉબૈદુલ્લાહ અમ્ર બિન સઇદ જે ગવર્નર હતો તેમને બોલાવ્યું અને કહ્યું કે, આ વ્યકિત એટલે હઝરત હુસૈન રઝીઅલ્લાહુ અન્હુની બાબત મારી મદદ કરો. તેણે કહ્યું કે, આ મામલામાં મને તો માફ કરશો પરંતુ ઈબ્ને ઝિયાદ માન્યો નહીં. જેથી અમ્ર બિન સઅદે કહ્યું કે મને એક રાત્રિ વિચારવાની તક આપો. ઇબ્ને ઝિયાદે કહ્યું ઠીક છે
વિચારી લો. ઇબ્ને સઅદે આખી રાત વિચાર કરી ઇબ્ને ઝિયાદને મદદ કરવાની તૈયારી દર્શાવી.
હવે અમ્ર બિન સઅદ હઝરત હુસૈન રઝીઅલ્લાહુ અન્હુની સેવામાં હાજર
થયો. હઝરત હુસૈન રઝીઅલ્લાહુ અન્હુએ તેમની સમક્ષ ત્રણ મુદ્દાઓ રાખ્યા.
(૧).મને કોઈપણ ઈસ્લામી સરહદ ઉપર નીકળી જવા દો.
૨) અથવા મને અવસર આપો કે હું જાતે યઝીદ પાસે પહોંચી જાઉં.
૩) અથવા જયાંથી આવ્યો છું ત્યાં પાછો ચાલ્યો જાઉં.
ઇબ્ને સઅદે પોતે આ રજૂઆતો માન્ય રાખી અને ઈબ્ને ઝિયાદને લખી
મોકલી. તેના જવાબમાં ઇબ્ને ઝિયાદે જવાબ લખ્યું કે, અમને આ શરતો મંજૂર નથી. હવે તો એક જ વાત થઇ શકે છે અને તે એ કે હઝરત હુસૈન રઝીઅલ્લાહુ અન્હુ યઝીદ માટે મારા હાથ ઉપર બૈઅત કરી લે.
ઇબ્ને સઅદે આ વાત હઝરત હુસૈન રઝીઅલ્લાહુ અન્હુ સુધી પહોંચાડી.
હઝરત હુસૈને કહ્યું કે, એવું ન થઈ શકે અને આ જ વાત ઉપર સામસામી
લડાઇઓ થઈ અને હઝરત હુસૈનના બધા સાથીઓને જોરજુલમથી શહીદ કરી નાખવામાં આવ્યા. જેમાં દશથી વધુ જવાનો તેમના ઘરના જ હતા. અને આ લડાઈ દરમિયાન એક તીર આવ્યું જે હઝરત હુસૈનના નાના બાળકને વાગ્યું જે હઝરત હુસૈનના ખોળામાં હતું. હઝરત હુસૈન તેનું લોહી સાફ કરતા જતા હતા અને
કહી રહ્યા હતા કે, હે અલ્લાહ તું અમારા અને એવા લોકોના વિષયમાં ફેસલો કરી દે કે જેઓએ પહેલા અમને એમ કહીને બોલાવ્યું કે, અમો આપની મદદ કરીશું અને હવે એજ લોકો અમને કતલ કરી રહ્યા છે. ત્યારબાદ હઝરત હુસૈન રઝીઅલ્લાહુ અન્હુ એ તલવાર હાથમાં ઉપાડી અને મર્દ યોદ્ધાની માફક મુકાબલો કર્યો. અને લડતાં લડતાં શહીદ થઇ ગયા. (ઇન્નાલિલ્લાહી વ ઇન્ના ઈલૈહી રાજીઉન)
જે વ્યકિતના હાથે હઝરત હુસૈન રઝીઅલ્લાહુ અન્હુ શહીદ થયા તે
મુઝહજ કબીલાનો માણસ હતો (આ વિષયે ઈતિહાસમાં મતભેદો છે) મુઝહજ હાનીના તે જ કબીલાનું નામ છે જેમણે શાહીમહેલ ઉપર ચઢાઇ કરી હતી.
આ માણસે હઝરત હુસૈન રઝીઅલ્લાહુ અન્હુનું માથું કાપી શરીરથી જુદો કરી ઈબ્ને ઝિયાદ પાસે લઈ ગયો. તેણે એ જ માણસને હઝરત હુસૈન રઝીઅલ્લાહુ અન્હુનું માથુ આપી યઝીદ પાસે મોકલી આપ્યું. તેણે યઝીદની સામે માથું રાખ્યું.
બીજી તરફ ઈબ્ને સઅદ પણ હઝરત હુસૈન રઝીઅલ્લાહુ અન્હુના
ઘરવાળાઓને લઈને ઇબ્ને ઝિયાદ પાસે પહોંચી ગયો. આ લોકોમાં એક જ બાળક બચી ગયો હતો અને આજ બાળક ઝૈનુલ આબિદીન રહમતુલ્લાહ અલયહિ હતા. જે આ રિવાયતના રાવી અબુજાફર અલ બાકિરના વાલિદ (પિતા) હતા. તેઓ મહિલાઓની સાથે હતા અને બીમાર હતા.
ઇબ્ને ઝિયાદે હુકમ કર્યો કે આ બાળકને પણ કતલ કરી નાખો. આ
સાંભળી તેની ફઇ ઝૈનબ બિન્તે અલી રઝીઅલ્લાહુ અન્હુ બાળક ઉપર ઢળી પડી અને કહ્યું જયાં સુધી હું કતલ ન થઇ જાઉં ત્યાં સુધી આ બાળકને કતલ નહીં થવા દઉં. આ પરિસ્થિતિને જોતા ઇબ્ને ઝિયાદે પોતાનો હુકમ પાછો ખેંચ્યો અને બધાં જંગી કેદીઓને યઝીદની પાસે મોકલી દીધા.
જયારે હઝરત હુસૈન રઝીઅલ્લાહુ અન્હુનો બચી ગયેલો આ પરિવાર
યઝીદના દરબારમાં પહોંચ્યો, તો કાયદા મુજબ અમુક દરબારીઓએ યઝીદને
વિજયની સલામી આપી તેમાંથી એક માણસે એટલી હિંમત કરી નાખી અને એક મહિલા તરફ ઇશારો કરી કહેવા લાગ્યો કે, આ છોકરી મને આપી દો. આ સાંભળી હઝરત ઝૈનબ બિન્તે અલી રઝીઅલ્લાહુ અન્હાએ કહ્યું કે, ખુદાની કસમ આવું થઈ જ ન શકે અને એવું ત્યારે જ શકય બનશે જયારે યઝીદ અલ્લાહના દીનમાંથી નીકળી જાય. તે માણસે ફરી રજૂઆત કરી તો યઝીદે તેને ધમકાવ્યો અને આ
પરિવારને મહેલસરામાં મોકલી આપ્યો. અને તેમને તૈયાર કરાવી મદીના રવાના
કરાવ્યું.
જયારે આ પરિવાર મદીના પહોંચ્યું તો અબ્દુલ મુત્તલિબના ખાનદાનની
એક સ્ત્રી માથું પછાડતી અને રડતી રડતી તેમને મળવા આવી અને તેના મુખેથી દુ:ખ વ્યકત કરતા શેર (શાયરી) બોલી રહી હતી.
અબુજાફર બાકિર રહમતુલ્લાહનો બયાન અહીં પુરૂં થાય છે.
હાફિઝ ઇબ્ને હઝર રહમતુલ્લાહ ઇસાબહ પા.નં. ૧૭ ભાગ-ર માં હઝરત હુસૈન રઝીઅલ્લાહુ અન્હુના વિષયમાં આ રિવાયત વર્ણન કર્યા પછી લખે છે કે, અમુક ઈતિહાસકારોએ હુસૈન રઝીઅલ્લાહુ અનહુના કતલ વિશે સ્થાયી રૂપે કિતાબો લખી છે. જેમા લીલું, સુકું, ખરૂં, ખોટું, બધુ લખી ભર્યું છે. આ સંબંધી મેં આ ઘટના લખી છે તે જ પૂરતી છે. (સૌજન્ય : નિદા-એ-હક, જંબુસર)