અલ્લાહે કરેલાં સર્જનો જોઈને તો વિચારો !
(1).અમે ધરતીને ફેલાવી, તેમાં પર્વતો જમાવ્યા, તેમાં દરેક પ્રકારની વનસ્પતિ દરેક રીતે યોગ્ય અને ચોક્કસ પ્રમાણમાં ઉગાડી, અને તેમાં આજીવિકાના સાધનો
ઉપલબ્ધ કર્યા, તમારા માટે પણ અને તે અસંખ્ય સજીવો માટે પણ જેમને રોજી પૂરી પાડનારા તમે નથી. કોઈ વસ્તુ એવી નથી જેના ભંડારો અમારા પાસે ન હોય, અને જે વસ્તુને પણ અમે ઉતારીએ છીએ એક નિશ્ચિત માત્રામાં ઉતારીએ છીએ. ફળદાયી હવાઓને અમે જ મોકલીએ છીએ, પછી આકાશમાંથી પાણી
વરસાવીએ છીએ, અને એ પાણીથી તમને સંતૃપ્ત કરીએ છીએ. આ દોલતના ભંડારી તમે નથી. જીવન અને મૃત્યુ અમે આપીએ છીએ અને અમે જ બધાના વારસદાર થવાના છીએ. પહેલાં જે લોકો તમારામાં થઇ ગયા છે, તેમને પણ અમે જાણી લીધા છે અને પછીથી આવનારાઓ પણ અમારી નજરોમાં છે. નિઃશંક તમારો રબ તે સૌને એકત્ર કરશે, તે તત્ત્વદર્શી પણ છે અને સર્વજ્ઞ પણ
(કુર્અાન, સૂર: હિજૂર, ૧૯-૨૫)
(2).દાણા અને ઠળિયાને ફાડનાર અલ્લાહ છે, તે જ સજીવને નિર્જીવમાંથી કાઢે છે. અને તે જ નિર્જીવને સજીવમાંથી કાઢનાર છે. આ સર્વ કામો કરનાર તો અલ્લાહ
છે, પછી તમે કયાં બહેકતા જઈ રહ્યા છો ? રાત્રિના પડદાને ચીરીને તે જ પ્રભાત કાઢે છે. તેણે જ રાત્રિને શાંતિનો સમય બનાવ્યો છે. તેણે જ ચંદ્ર અને સૂર્યના ઉદય અને અસ્તનો હિસાબ નક્કી કર્યો છે. આ બધું તે જ પ્રભાવશાળી સમર્થ
અને જાણકારની ઠરાવેલી યોજના છે. અને તે જ છે જેણે તમારા માટે તારાઓને ભુમિ અને સમુદ્રના અંધારામાં રસ્તો જાણવાના સાધન બનાવ્યા જુઓ,અમે નિશાનીઓ ખોલી-ખોલીને વર્ણવી દીધી છે, તે લોકો માટે જેઓ જ્ઞાન ધરાવે છે. અને તે જ છે જેણે એક જીવમાંથી તમને પેદા કર્યા, પછી દરેકને માટે
એક રોકાવાનું સ્થળ છે અને એક તેની સોંપણીની જગ્યા. આ નિશાનીઓ અમે સ્પષ્ટ કરી દીધી છે તે લોકો માટે જેઓ સમજબૂઝ ધરાવે છે.”
(કુર્અાન, સૂર: અન્આમ, ૯૫-૯૮)
(3)તે જ છે જેણે સૂર્યને તેજસ્વી બનાવ્યો અને ચંદ્રને ચમક આપી અને ચંદ્રના વધઘટની મંજિલો ચોક્કસપણે નિર્ધારિત કરી દીધી જેથી તમે તેના વડે વર્ષો અને
તારીખોનો હિસાબ જાણો. અલ્લાહે આ બધું સત્યપૂર્વક જ પેદા કર્યું છે. તે પોતાની નિશાનીઓ વિસ્તારપૂર્વક દર્શાવી રહ્યો છે તે લોકો માટે જેનો જ્ઞાન ધરાવે છે.
નિ:સંદેહ ૨ાત અને દિવસના ફેરબદલમાં અને તે દરેક વસ્તુમાં જે અલ્લાહે ધરતી અને આકાશોમાં પેદા કરી છે, નિશાનીઓ છે તે લોકો માટે જેઓ (ખોટું જોવાથી અને ખોટા માર્ગે ચાલવાથી) બચવા માગે છે.'' (કુર્આન, સૂરઃ યુનુસ, ૫-૬ )
(4)અને અમે ધરતીમાં પર્વતો જમાવી દીધા જેથી તે તેમને લઈને ગબડી ન પડે,અને તેમાં પહોળા રસ્તાઓ બનાવી દીધા, કદાચ લોકો પોતાનો ૨સ્તો જાણી લે અને અમે આકાશને એક સુરક્ષિત છત બનાવી દીધું, પરંતુ આ લોકો છે કે સુષ્ટિની નિશાનીઓ તરફ ધ્યાન જ આપતા નથી, અને તે અલ્લાહ જ છે જેણે ૨ાત અને દિવસ બનાવ્યા અને સૂર્ય અને ચંદ્રને પેદા કર્યા. સૌ અલગ અલગ કક્ષામાં તરી ૨હ્યા છે. '' (કુર્અાન, સૂર: અંબિયા, ૩૧- ૩૩)
(5) અને અલ્લાહની નિશાનીઓમાંથી એક આ છે કે તમે જુઓ છો, ધરતી વેરાન
પડેલી છે, પછી જેવું અમે તેના ઉપર પાણી વરસાવ્યું કે તરત જ તે લહેરાઇ ઉઠે છે અને ફાલે છે. નિશ્ચિતપણે જે અલ્લાહ આ મૃત ધરતીને જીવંત કરી દે છે તે
મડદાંઓને પણ જીવનું પ્રદાન કરનાર છે. ચોક્કસ તેને દરેક વરતું ઉપર સામર્થ્ય પ્રાપ્ત છે.” (કુર્અાન, સૂર: હા-મીમ-સજદહ, ૩૯)
(6)પરમ્ કૃપાળુ (અલ્લાહે) આ કુર્અાનનું શિક્ષણ આપ્યું છે. તેણે જ મનુષ્યને પેદા કર્યો અને તેને બોલતાં શીખવાડ્યું. સૂર્ય અને ચંદ્ર એક હિસાબના પાબંદ છે તથા તારા અને વૃક્ષો સૌ સિજદામાં છે. આકાશને તેણે ઊંચું કર્યું અને તુલા સ્થાપિત કરી દીધી. તેનો તકાદો એ છે કે તમે તુલામાં વિક્ષેપ ન નાખો, ન્યાયપૂર્વક સાચું તોલો અને ત્રાજવામાં ડાંડી ન મારો. ધરતીને તેણે તમામ મખ્-લૂકાત (સર્જનો) માટે બનાવી. તેમાં દરેક પ્રકારના પુષ્કળ સ્વાદિષ્ટ ફળો છે. ખજૂરીઓ છે જેના ફળ ગલેફમાં લપેટાયેલાં છે. વિવિધ પ્રકારના અનાજ છે જેમાં ભૂસું પણ હોય છે અને દાણાં પણ, તો પછી હે જિન્નો અને મનુષ્યો ! તમે પોતાના ૨બની કઈ-કઈ નેઅ્મતો ( કૃપાઓ)ને ખોટી ઠેરવશો ?'' (કુર્અાન, સૂરઃ ૨હમાન, ૧-૧૩)
(7)બે સમુદ્રોને તેણે છોડી દીધા કે પરસ્પર ભળી જાય, તેમ છતાં તેમના વચ્ચે એક પડદો મોજૂદ છે જેને તેઓ ઓળંગતા નથી. તો પછી હે જિન્નો અને મનુષ્યો !
તમે પોતાના રબની કુદરતના કયા-કયા ચમત્કારોને ખોટાં ઠેરવશો ?'
(કુર્આન, સુરઃ ૨હમાન, ૧૯-૨૧)
(8)શું આ લોકો પોતાના ઉપર ઊડતાં પક્ષીઓને પાંખો ફેલાવતા અને સંકેલી લેતા નથી જોતાં ? રહમાન (પરમ કૃપાળુ અલ્લાહ) સિવાય કોઈ નથી જેણે તેમને ટેકવી રાખ્યા હોય. તે જ દરેક વસ્તુની દેખરેખ રાખનાર છે.” (કુર્અાન, સૂરઃ મુલ્ક, ૧૯)
(9)તમે રહેમાન (પરમ કૃપાળુ અલ્લાહ)ના સર્જનમાં કોઈ પણ જાતની અસંબદ્ધતા નહીં જુઓ. ફરીથી વળીને જુઓ. કયાંય તમને કોઈ વિધ્ન દેખાય છે ? ફરી-ફરીને
નજર દોડાવો, તમારી નજર થાકીને નિરાશ પાછી ફરશે (કુર્આન, સૂર: મુલ્ક, ૩-૪)